નામ જયારે મધુધારા રાખ્યું ત્યારે ઘણા લોકો એ ધારી લીધેલું કે મધ અને ધારા જોડીને નામ રાખેલું પરંતુ સાચા અર્થની પૂછો તો જ ખબર પડે.
દર્શન ભાલારા, ઉંમર માત્ર 27 વર્ષ અને 21 વર્ષની ઉંમરે મધમાખી ઉછેર માટે પ્રયત્નો શરુ કરી દીધેલાં. મધુ એટલે કે મીઠું એ પછી ગ્રાહક હોય, માખીઓ હોય કે પછી કોઈ પણ હોય બધાની જોડે મધ જેવા ગાઢો અને મીઠો વ્યવહાર રાખવો, રસ એટલે કે મધની ધાર જેવું નિરંતર, સતત મળ્યા કરે એવું. મીઠાં વ્યવહાર તો ખરા જ પરંતુ મીઠાશ નિરંતર જળવાય રહે એ પણ જરૂરી એના પરથી નામ બન્યું "મધુધારા".
ન્યૂઝીલેન્ડથી મધમાખી ઉછેરની તાલીમ લઇ અને એક આગવો પ્રયોગ કર્યો કે જેમાં એક જ પ્રકારના ફૂલોમાંથી મધ મેળવી અને એની ગુણવત્તા વધારવી. જેમ કે જામનગરમાં થતાં અજમાંના ખેતરમાંથી મળેલું મધ એ શરદી તાવ ઉધરસમાં ખાલી મધ જ દવાનું કામ કરે છે. એવી જ રીતે હળવદમાં વરિયાળીનું મધ મેળવ્યું અને રાજસ્થાન, હરિયાણાથી કરીને છેક કાશ્મીર સુધી જઈ અને લિચી, જાંબુ જેવા અનેક પ્રકારનાં મધ મેળવ્યા. દરેકનાં તદ્દન અનોખા જ ગુણધર્મો, જાંબુનું મધ હૃદય, ડાયાબિટીસ માટે ગુણકારી, વરિયાળીનું મધ, તુલસી, કેસર કેરીનું મધ બધા એના ફૂલો સાથે ગુણવત્તા પણ લઇ આવે.
પશુપાલન એ અમારા કુટુંબમાં વર્ષોથી ચાલ્યો આવતો વ્યવહાર છે. પ્રાણીઓ પ્રત્યે નાનપણથી જ મમતા જોડાયેલી. એવામાં એક વખત ધુમાડો કરીને મધ પાડતાં જોયું અને એમાં બધી જ માખીઓ મરી ગયેલી, ત્યારે જ ગાંઠ બાંધી લીધેલી કે કંઈક વચ્ચેનો રસ્તો કરવો જેનાથી મધ પણ મળી રહે અને માખીઓ પણ ન મરે. વૈજ્ઞાનિક અને આધુનિક રીતનો સમન્વય કરીને મધમાખીઓનું સંવર્ધન શરુ કર્યું. લોકોના ખેતરોમાં કે ફાર્મહાઉસ પર જઈને ત્યાંથી મધ મેળવાતું પરંતુ આ એટલું સહજ કે સરળ નહોતું. ખેતરોમાં બેરોકટોક થતા પેસ્ટિસાઇડ્સ દવાઓનાં છંટકાવથી મધમાખીઓ મરી જતી. જેટલા ઉત્સાહથી આ શરુ કર્યું હતું એ પહેલા જ પ્રયત્નમાં સફાચટ થઇ ગયું. એમાંથી મોંઘો અનુભવ લઇ અને ઓર્ગેનિક ખેતી કરતા લોકોનો સંપર્ક કર્યો. લોકો સાથે કાયદેસર કોન્ટ્રાકટ બનતો પરંતુ એ તમને જાણ કર્યા વિના જ દવા છાંટી દે અને તમારી બધી જ મહેનત પર રાતોરાત પાણી ફરી વળે.
હવે ફક્ત અને ફક્ત ઓર્ગેનિક ખેતી થતી હોય એવા ખેતરો કે ફાર્મહાઉસમાંથી જ મધ મેળવાય છે. અને આ મધમાખીઓને 200 કિલોમીટરના અંતરે મોસમ પ્રમાણે લઇ જઈ અને મધ મેળવાય છે. જેમ કે તમારે કાશ્મીરમાંથી મધ લેવું હોય તો સીધું ત્યાં જવાતું નથી પરંતુ ગુજરાતમાંથી શરુ કરી દરેક 200 કિલોમીટરે મધમાખીઓ મધ એકઠું કરતી જાય, મૌસમ બદલતી જાય અને વર્ષને અંતે કાશ્મીર પહોંચાય. ત્યાંથી ફરી પાછું ગુજરાત આવતા એક વર્ષ નીકળી જાય. ખૂબ જ માહિતી સભર અને રસપ્રદ મધમાખીઓની દુનિયા હોય છે.
લોકોને કોઈ પણ વેપારીઓ કે પ્રોસેસિંગથી બચાવીને સીધેસીધું ઓનલાઇન બુકીંગ મારફતે મધ પહોંચાડવામાં આવે છે. મધ ત્રણ પ્રકારની ગુણવત્તામાં હોય છે એમ ભેળસેળ કરવી મુશ્કિલ છે પરંતુ મધને પાકવા માટે 45-60 દિવસનો સમય લાગે છે. બજારમાં મળતું સસ્તું મધ કાચું હોય ત્યારે જ ઉતારી લેવાય છે જેથી મધની ગુણવતા ઓછી અને ઉત્પાદન વધી જાય. એની સામે મધુધારા ત્રણ ગણું મોંઘુ પડે છે પરંતુ તેમાં મધના ગુણો અને ગુણવત્તા જળવાય રહે એનો પૂરતો ખ્યાલ રખાય છે અને કહે છે ને કે આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય એમ હું ખુદ આ બધી જ પ્રક્રિયામાં સક્રિય રહીને દેખરેખ રાખું છું. ક્યારેય બીજાને ભરોસે મધ કે મધમાખીઓને છોડ્યા નથી. જેટલું આપણે આંગણે બાંધેલી ગાય-ભેંસનું ધ્યાન રાખીને એને કઈ થવા ન દઈએ એટલું જ ધ્યાન મધમાખીઓનું પણ રખાય છે.
નાની ઉંમરમાં ઘણું બધું શીખ્યાનો આનંદ છે અને અથાગ પરિશ્રમ કર્યાનો ગર્વ પણ છે. રાજકોટને કહીશ કે "ઈમાનદારી" આ એક જ વસ્તુને સિદ્ધાંત બનાવીને ચાલશો તો કોઈ પણ વ્યવસાય કરો લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરશે.
અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારે, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નહીં